તરસે કે વરસે …

શ્વસું છું તને નિરંતર

વહેતી હવા ક્ષણ ક્ષણ

બદલાય વાયરો તો

ખરી પડતી કણ કણ

ક્યાં રાખી છે જીવનમાં

અપેક્ષા મારી તો બે ત્રણ

ઝાંઝવાના ઝાંખર ઉગ્યાં

છાતીમાં ભલેને છે રણ

પોપચાંની હાય લાગી કાં?

વાદળાં થયાં એક એક મણ

નિકેતા …………………………   ૧૨/૧૪/૨૦૧૪

તારી આંખે ઉગ્યો ..

તારી આંખે ઉગ્યો કેમ,લીલોછમ એ શબ્દ..
મે તો વાવ્યો’તો પ્રેમ, રાતોભમ એ શબ્દ..

ગોળ હતાં વર્તુળો, ને ખારી રેખાઓ હતી,
હુ તો લાવી હતી ખોળી, ઘટનાક્રમ એ શબ્દ

થોડા થોડા ઉદાસ હતા પણ સક્ષમ હતા..
પેલા સિતારાઓ કહે, રાત માઝમ એ શબ્દ

ચાંદની રાત, ને નિશા હતી અધવચાળી
ચાંદને પડ્યો’તો વહેમ,કાળોભમ એ શબ્દ

ઘરાના કાગળ પર લખી ગયુ છે કોઈ “પ્રેમ”
સુરજે લીધી નોંધ, થયો પીળો ભ્રમ એ શબ્દ

 

નિકેતા  ૨૦૧૪

….. छलक जाते है हम

आंसुकी तरहा यूँही गीर जाते है हम..

आइनेमे परछाई से उभर जाते हे हम

ना सागर है ना मौजोकी रवानी है हम

देखलो  रेतमे भी कश्ती डुबाते है हम

मेरी आवारगी देखो तो जरा सी ही है

अश्कोसे अपने चांद को जलाते है हम

शेरो – शायरी, गझल, ये कविताए…

बहेतर नही तुमसे, यूँ बहेलाते है हम

थोडे छलक जाते है जब याद आये आप

पयमाने क्या है उसको भी शरमाते है हम

 

निकेता  २०१४

સ્પર્શ મૂકતાં જાઓ

હાથ જરાક છાંડયો પણ એ સ્પર્શ તો મૂકતાં જાઓ
સાવ ખુલી છે હથેળી મારી ચાંદ થઇ ઝબુકતા જાઓ..

પવન મારો પાલવ લાગે યાદોની એમા ભાત.
કાજળ સંગાથે મહેંદી ભુંસી લીલીછમ મોલાત..
પગલાં ઉઠ્યાં જે પાદર સુધી એને વળાવતા જાઓ!!

હાથ જરાક છાંડયો પણ …………………………………………

જીન્દગી એટલે મેળાવડો છે ”હુ”તુ”  એના શબ્દો ..
આવે,જાય છે એવો ક્ર્મ, કેમ બદલાવશુ પ્રારબ્ધો?
આવી ગયા છો આંખ સુધી,તો રાતવાસો કરતા જાઓ!!

હાથ જરાક છાંડયો પણ……………………………………..
કદીક તો એવી અફવા ઘટે કે તમે ઉગો ને હુ આથમુ..
પાંપણને કિનારે મળવું ને હૈયાની અટારીએ ગમવું …
આપણી વચે દરિયા નદીનાં સ્નેહ છલકાવતા જાઓ!!

હાથ જરાક છાંડયો પણ………………………………..

 

નિકેતા ૨૦૧૪

અગમ્ય એવી લાગણી…..

કહી દઉં કોઈ લાગણી નથી ?

પણ એ સાચું નથી ને !

હા, છે ….

છે મને લગાવ તારા પ્રત્યે !

કોઈ અજાણી અનુભૂતિ !

કોઈ ઉપદ્રવ જોઈ લો,

અભડાયા નો ચેપ છે………..

પણ ગમે છે …

હા ગમે છે, તારી સાથે અલકમલક ની વાતો કરવી ….

તારી રાહ જોવી,

“તું કશુક કહીશ આજે તો !”, ની ……..

અધૂરપ ભરેલી મહેચ્છા !!!

તારો હવા માં ચળાઈ ને આવતો સ્પર્શ…

તારા પેલા કલોન ની મહેક….

નશીલી……….

ઉફ્ફ !!!

અજાણી, તોયે કેમ જાણીતી લાગતી ?

તારી એક આકૃતિ ઉપજાવે છે.

જાણે તું, દુરથી મને અડકવાનો

મારી ગરદન પર ઝુકી મારી લટ સુલઝાવાનો

વ્યર્થ ….શાબ્દિક …..કાલ્પનિક….પર્યન્ત….

પ્રયત્ન કરે છે.

તારા શ્વાસો અથડાય છે…………..

ને પછી રુંવાટા પણ,

મારા અંગડાઈ લઇ બેઠા થાય છે….

મારી ઝુકેલી ગરદન પર, મારા હાથો પર,

છેક નાભી સુધી પ્રસરે છે સ્પંદનો ….

તારો માત્ર આ સ્પર્શ નથી,મારા ય નિ:શબ્દ સ્પંદનો ની વાચા છે આ…

મેં કરવા ધારેલ પ્રયત્નનું સુખદ અનુમોદન છે એ.

જો ને તેથી જ તો તને અડકી શકું છું,,,,

તારાથી આટલી દુર રહી ને પણ….

 

શું મને થાય છે એ …..તને પણ થાય છે ખરું?

 

 

નિકેતા વ્યાસ …..માર્ચ ૨૯ ..૨૦૧૨

હતો હું…..

ઘટક ઘૂંટડે પીવાતો ગયો….

ધીરે ધીરે ઓછો થતો ગયો ….

આ ખાલીપણા નોય

ભાર લાગે છે મને ,

લગીરેય ધ્યાન માં આવે એ તને?

એક એક કરી બધા

ઠાલવતા ગયા,

ને

હલકો પડતા, આમતેમ

ડોલાવતા ગયા.

ટીપુંય ના રે’વા દીધું

તળિયે મારા.

બૂધું દેખાડી તરસ છોડી ગયા

એક પછી એક.

ઠાલી એક નજરેય ના નાંખી,

ખુરશી આઘી કરી

અલગારી ઉઠી ગયા ,

ને હું રહી ગયો …………

તમારા ડાઈનિગ ટેબલ પર

પડેલો પાણી નો

ખાલી જગ……..!!!

 

 

નિકેતા વ્યાસ     ૧-૧૨-૨૦૧૨

દીકરી વહાલ નો દરિયો

સગપણનો છે તુ દરિયો ..
પાંપણનો  છે ચાંદલિયો..

તારા ગાલ ઉપર ખીલેલા ખંજનો..
વહાલ ઉગ્યુ છે કે ચંદ્રમા જેવા કંગનો
મુજ આંગણ રંગ ડોલરિયો!!

પાંપણનો  છે ચાંદલિયો…………………..

મધ રુદયમા રોપી છે મે તુ મારી તુલસી..
હથેળીની સેજમા સ્વાસો પાથરુ જરકશી…
તુ દિકરી મારી સવા રુપિયો!!

પાંપણનો  છે ચાંદલિયો………………………

ઉડી ઉડીને દુર જાશે તુ એક દિ પરદેશ
દિવસો ઝાઝા છે ને તુ પરાયો છે વેશ..
તુ  આંખોનો કુમકુમ સાથીયો!!

પાંપણનો  છે ચાંદલિયો…………………….

સગપણનો છે તુ દરિયો ,
પાંપણનો  છે ચાંદલિયો….

ચાલ એમ મળીએ

છલાકાય નહી લાગણી એમ મળીયે
ચાલ નયનોમા અનરાધાર પલળીયે..

મોસમ નથી વરસાદની તો શુ થયુ ..
ધુમસની છે વાત ચાલ ને ઓગળીયે..

ખાલીપાના નગર જુવો કેવા બેઠા છે,
ચાલ શુન્યતાની શેરીમા રઝળીયે ….

ઝરણુ ને દરિયો શો હોય છે ફરક કહો,
એક મીઠુ એક ખારુ છે જળમા ભળીયે..

સ્મૃતિના છે પડળ ને આંખો વરણાગી,
ચાલ બરફ થઇ ફરી આઇને પીગળીયે

તારા કાજળ ભર્યા નયનમા

તારા કાજળથી ભરેલા નયનમા..
સુરજ ઉગ્યો લાલચટક ખંજનમા..

તારા મદઝરતા અધરોની વચે,
એક ગઝલ હસતી જોઇ સુમનમા.

તારી રાતરાણી જેવી જુલ્ફોમા …
ગુંથ્યા છે સોળ શમણા કંગનમા

તારા કોકિલ વરણા આ ટહુકામા
મે ચાંદ પરોવ્યો છે હૈયે બંધનમા

એક કુમકુમ ગઝલ છે તારી આંખો,
દેખુ,કંકોતરી લખાઇ જાય ચમનમા

જીન્દગી હુ તારા વિશે નથી…

જીન્દગી હુ તારા વિશે નથી…
જોઇલે જરા ખાલી ખિસે નથી…

રોજ થાય છે અકસ્માત મારો..
ઓ પથીક તારા કિસ્સે નથી..

સુરજ થવાનુ ભાગ્ય મારુ છે ..
પ્રગટુ છુ રોજ પણ માચીસે નથી

સદનસીબે બચી નીકળુ છુ હુ,
ઉઝરડો છુ દોસ્ત,આતિશે નથી

જીવતો જ દાટયો છે તને હૈયે,
સગપણ છુ સાચુ અરીસે નથી

તારી મારી વચે

તારી મારી વચે આટલો કરાર છે…
મળશુ તો અજનબી પણ પ્યાર છે..

સાથે સાથે ચાલશુ તો ખાર થાશે..
દુર દુરથી મળશુ તો યે વહેવાર છે..

કેટલો બધો ફરક આપણે આકાર છે,
માત્ર દિવસ રાત છે ગગન ફરાર છે

બે લીટીઓ વચે મળી રોજ મળીએ,
આ અક્ષરો બધા તીક્ષણ ઓજાર છે..

દરદને પણ એક્વાર પ્રેમ કરી લેજો,
મરવાનુ એકવાર ક્યા વારંવાર છે

ટેરવુ ટહુકે ને સ્પર્શ ખરી પડે

ટેરવુ ટહુકે ને સ્પર્શ ખરી પડે..
પછી આંખોમા લીલુપાન તરીપડે..

ટેહુ ટેહુ કરતા મોરલીયા બોલે
પછી મોરપીંછુ આંખથી સરી પડે..

અનરાધાર વરસે મેહુલિયો એવો,
બારે મેઘ ખાંગા યાદ અવતરી પડે..

કાગળના શહેરમા તુ ઉતરી આવે
પછી કલમની વેદના ઝરમરી પડે

એકાંતને ઓટલે બેસી વાગોળતા,
જીન્દગી જો સ્મૃતિઓ તરવરી પડે

તારી યાદ તો તોબા તોબા

નયને આવીને તમે કેમ છો ઉભા…
ઘડીક બેસોને, તો લાગશે શોભા…

બે’ક પળનો વિસામો હશે તો રૂડું લાગશે..
મારી શોક્ય છે આંખો તમને જોતા જાગશે.
જરાક રહેશો તો વધી જાશે મારાં મોભા!!

ઘડીક બેસોને, તો લાગશે શોભા…

જીવ્હાની સેજ ભીની છે,સુકા છે હોઠોના તટ
નાંગરી છે મારી મૌન નૌકા,બેસોને રુદયપટ ..
ઉલેચ્યો છે દરિયો ભરી ને ભરી ખોબા!!

ઘડીક બેસોને, તો લાગશે શોભા…

ગુલમહોરી સાંજ છે ને સોનેરી લાગે છે સ્મૃતિ
છમછમ વાગે પાંપણો,પગરવ કેરી છે આકૃતિ..
તારી યાદ છે કે લખુ તોભા તોભા..!!!

નયને આવીને તમે કેમ છો ઉભા…
ઘડીક બેસોને, તો લાગશે શોભા…

 

 

નિકેતા વ્યાસ ………૨૦૧૪

તને યાદ છે ને?

મે મોક્લ્યો તો વરસાદ તને યાદ છે ને?
પછી ચાતક જેવો સાદ તને યાદ છે ને?

કાગળ લખીને મે નાવ બનાવી હતી …
પછી બારે મેઘ ખાંગા તને યાદ છે ને?

સાચવી રાખ્યાં હતા ચાર પાંચ બુંદોને,
રુમાલમા ભર્યો તો વિસાદ તને યાદ છે ને?

સહેજ આંખો પલાળી, તુ ઉભી રહી આઘી..
કોરેકોરા  હતા ઉન્માંદ તને યાદ છે ને ?

પછી તો વરસાદ પણ ક્યા રહ્યો છે એવો,
આવે છે માત્ર તુ યાદ, એ તને યાદ છે ને ?

 

 

નિકેતા વ્યાસ ……………….૫/૨૬/૨૦૧૪ 

આઇના ને કહો તો

આઇના ને કહો ના તુટે આમ અટકળથી….
અમે તો ચહેરાઓ ધોયા છે મૃગજળથી…

આંખોને રાખીને બંધ જોઇ છે  દુનીયા…
અંધ કહી શકો છો મુજ ને ખુલા પડળથી..

ઘર કહો છો તો ના રાખશો દ્વાર કાચનુ …
અમે તો  રેતના માણસ મળશુ તળથી..

આંખોની ખુલ્લી હશે બારી તો પ્રસરી જાશુ…
ભલે ને પીંજરુ વાસ્યું  હોય તમે બળથી..

છે પ્રણય, ને રાખ્યો છે  પરિચય જળથી,
શીખ્યુ અમે પણ વિના જળજીવન  બાવળથી

 

નિકેતા વ્યાસ ………….૨૦૧૪

કદી ……………

ના કરશો દર્પણ પર પ્રહાર કદી..,
વાગશે જો, ખુદનો આકાર કદી…

કેટલીય તિરાડો આવકારતી હશે,
ના કરશો પડ્છાયે શણગાર કદી..

આરપાર જોઇ શકો તો મળજો..
અરીસે રાખજો તમે વહેવાર કદી..

ઝંખનાઓ ભાંગી નહી શકો તમે..
આખી મુકજો ઇચ્છા બે’ક ચાર કદી..

મીટ માંડી એક વાર જરુર જોજો,
બદલાય છે ચહેરો એકાદ વાર કદી..

 

 

 

નિકેતા વ્યાસ …………………૨૦૧૪

તુ યાદ એમ આવે છે..

યાદ એમ તુ આવે છે,
જાણે જીન્દગી મહેકાવે છે..

સાગર હોય ને રેતી જેવા સ્મરણો હોય
ક્ષણોની મુઠી ભરીને મળે, જે લવણો હોય..
તરંગો થઇ ને તું સરકાવે છે!!

યાદ એમ તુ આવે છે……………………………..

એકાંતે છતાંય તારી મહેફિલ લાગે,
છાને આવે તોયે તું સલીલ લાગે
પવન થઇને તુ બહેકાવે છે!!

યાદ એમ તુ આવે છે……………………………..

સાંભરે છે તુ જ્યારે,ઝાંકળ ભીની થાવ છુ..
ભીંજાય છે આંખો ત્યારે કાગળ જેવી નાવ છુ..
તુ વરસાદ થૈ તરસાવે છે!!

યાદ એમ તુ આવે છે,
જાણે જીન્દગી મહેકાવે છે..

 

નિકેતા વ્યાસ ………………..૨૦૧૪

…. ને આંખ વગોવાયેલી નીકળી….

એક આંખ ત્યાં ઢોળાયેલી મળી…
પછી રાત સાવ ચોળાયેલી મળી..

શમણુ લાશનુ લઇ પાંપણો ઉભી,
એ વાત જ કોહવાયેલી નીકળી..

નીંદરમા ચાલતી હતી એ છતાંય,
લ્યો, આંખ જ વગોવાયેલી નીકળી..

હા યાદ આવ્યુ ચર્ચા ને કારણે કરી
ભુલ ઓશીકે થી દબાયેલી નીકળી

સેજ તો પાથરી’તી શમણાઓ  થકી
પણ”નિરી” સાવ ભીંજાયેલી નીકળી…

 

નિકેતા વ્યાસ ……………૨૦૧૪

એ દોસ્ત…

દરદ તો દવા છે આ પ્યારની એ દોસ્ત ..
પ્રણય તો અફવા છે યારની એ દોસ્ત..

બાકી તો બધુ જીન્દગીમા છે જ એ દોસ્ત
વાત એકાદ ઝાંઝવાના મારની એ દોસ્ત..

ચોમેર તો લીલુછમ્મ લાગે છે અહી,
પણ ચર્ચા છે સુકારા બહારની એ દોસ્ત ..

તરસ તો એક સદાબહાર ઝંખના છે,
ને વાત એક કંજુસ યારની છે એ દોસ્ત..

જીન્દગી તો એક કાગળ જેવી છે દોસ્ત,
પણ વાત એક કલાકારની છે એ દોસ્ત….

 

નિકેતા વ્યાસ ……………..૨૦૧૪

તારા પલકોની અધ્ધખુલી બારીમા..

તારા પલકોની અધ્ધખુલી બારીમા..
સૂરજ ઉભો છે આંખો ચોળતો અટારીમા..

પરોઢીયુ ટહુકે છે આંગણ આંગણ..
બગીચો બની જાય છે ખુદ માલણ….
આ દ્રશ્ય પામવાને હુ દોડતી ક્યારીમા!!
તારા પલકોની અધ્ધખુલી બારીમા………………

સોહાગણ સોણલા પહેરીને દેખુ પિયુ..
આંખના ચંદરવે બેઠુ મારુ જોબનીયુ…
ખાખાખોળા કરુ હુ મને શોધુ પથારીમા!!
તારા પલકોની અધ્ધખુલી બારીમા……………..

તારી પાંપણોમાં મેલુ મારી થાપણ,…
ઓઢુ હુ તારા કામણ થૈને  મહેરામણ ,,,
ઘુંટડે ઘુંટ્ડે હુ પીઉ તને આંખ કિનારીમા!!
તારા પલકોની અધ્ધખુલી બારીમા…………..

 

નિકેતા વ્યાસ …………………૨૦૧૪

એક ગઝલ

એક ગઝલ હુ લખુ છુ તારા નામે ….
શબ્દો કસુંબલ લખુ છુ તારા નામે.

ઝાંઝરી વાગે છમછમ કાગળ ગામે,
સાદ બુલબુલ લખુ છુ તારા નામે …

અક્ષરો કરે છે કલબલ સામસામે ..
મન  હલચલ લખુ છુ તારા નામે,,

ટહુકાઓ જાગે છે ટેરવે તારા જામે,
આંખો ગંગાજલ લખુ છુ તારા નામે..

જીન્દગી ઘાયલ લાગે છે તારા ધામે,
”યાદ” આંચલ લખુ છુ તારા નામે…

 

નિકેતા વ્યાસ ………૨૦૧૪

સાજણતારી પલકો ને કાંઠે

સાજણ તારી પલકોને કાંઠે..
ચાંદો સુરજ રમતા એક ગાંઠે…

તારા ટેરવે અમે હાલી નીકળતા..
સંગ તારે ગગન ચુમીને મળતા..
અમે નીરખતા પહોર આઠે!!

સાજણ તારી પલકોને કાંઠે…………….

તારા વેણે સાજણ મોરલીયા ટહુકે,
મધમીઠા નૈણેથી તારલીયા ઝબુકે..
ગગનીયુ ટેકવતા તારા ઠાઠે!!

સાજણ તારી પલકોને કાંઠે…………….

માણીગર મણીયારો લાવે હે ચુડલીયુ,
ભાવે ના કોઇ ભાતીગળ મન બવારીયું
શણગારીને બેઠા દલને બાજોઠે!!

સાજણ તારી પલકોને કાંઠે…………….

સાજણ તારી પલકોને કાંઠે..
ચાંદો સુરજ રમતા એક ગાંઠે…

 

નિકેતા વ્યાસ ……….૨૦૧૪

એક પત્ર પ્રભુને…..

સાંભળ્યુ છે કે તુ પણ બહુ ગરીબ છે..
કે પછી તારો દસ્તુર પણ અજીબ છે..

આપીને હથેળીમા તુ ઢોળી નાખે છે ..
હસ્તરેખાઓને કેમ ચોળી નાખે છે..
કે પછી તારી ઇર્ષાઓ મારુ નશીબ છે!!
કે પછી તારો દસ્તુર પણ અજીબ છે…………

એક જ પુષ્પ મે માગ્યુ છે ચમનથી..
કંટકો ભરી દીધા ભલે તે દામનથી..
કે જાણુ છુ હુ તુ રાજા પણ ગરીબ છે!!
કે પછી તારો દસ્તુર પણ અજીબ છે…………

એવુ લાગે તો અડધુ મને તુ આપી દે,
દરદ જેટલુ રહ્યુ છે એટલામા માપી દે..
કે જોવુ છે મારે તુ કેટલો  કરીબ છે!!
કે પછી તારો દસ્તુર પણ અજીબ છે………….

 

 

નિકેતા વ્યાસ …………૨૦૧૪

તમારા ગયા પછી

એવુ જ રહ્યુ હતુ કશુક તમારા ગયા પછી..
અશ્રુ રહ્યુ’તુ આંગતુક તમારા ગયા પછી..

ઢોળાયો હતો આખો ચહેરો આંખથી એમ
ભરીના શકી હું આટલુક તમારા ગયા પછી

તાકતી રહી છું  ક્ષિતિજ સુધી હુ અવાચક,
મારી શકી ના હુંયે ફૂંક તમારાં ગયાં પછી …

એક દ્રશ્ય બની ઉભી રહી ગઈ સ્મરણો પર,
ભુલીના શકી શરતચુક તમારા ગયા પછી..

ખાલી થઇ ગઈ જેમ પ્રસંગ વિદાઇના પછી,
ગઝલ રહી ગઈ  ભિક્ષુક તમારા ગયા પછી…

 

નિકેતા વ્યાસ ……………૨૦૧૪

 

કેટલાક દિવસો

દિવસોને કહો કેમ હુ સરખા કરુ…
સ્વીકારી લો આજને હુ પડખા કરુ!!

કેટલીયે ઘટનાઓ લખેલી હશે…
હથેળી પર રાખુ ને અભરખા કરુ!!

કદાચ મને ગમતુ એ પ્રભુને પણ,
લાવો કટોરો વખનો હુ પારખા કરુ!!

કોઇ અદ્રશ્ય સંકેત હશે માની લઉ?
આપો સમય કાંતુ ને ચરખા કરુ !!

જીન્દગી તો છે એક આંસુ ને સ્મીત,
આપજો અશ્રુઓ, હુ એને સખા કરુ!!

 

 

નિકેતા વ્યાસ ……૨૦૧૪

« Older entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers

%d bloggers like this: